કર્મચારીઓને ગુજરાતની ભાજપ સરકારે ભિખારી બનાવી દીધા!

કર્મચારીઓને ગુજરાતની ભાજપ સરકારે ભિખારી બનાવી દીધા! અહીં તમારે માટે ભિખારી શબ્દ વાપર્યો. પણ તમારા પોતાના માથે એક હાથ અને હૃદય પર બીજો હાથ મૂકીને જરા તમારી જાતને પૂછી જુઓ કે છેલ્લાં ૨૨ વર્ષમાં ભાજપની સરકારોએ તમારી ભિખારી જેવી હાલત કરી નાખી છે કે નહિ?

 • (૧) ગુજરાતની ભાજપ સરકારે કાયમી કર્મચારીઓ નહિ રાખવા, કોન્ટ્રેક્ટ પર પાંચ વર્ષ માટે નિશ્ચિત પગારે કર્મચારીઓ રાખવા અને કર્મચારીઓને પેન્શન આપવું નહિ તેવા નિર્ણયો છેલ્લાં ૨૨ વર્ષમાં કર્યા છે. નરેન્દ્ર મોદીએ જ મુખ્ય પ્રધાન તરીકે આ ધંધો પૂરબહારમાં ખીલવ્યો.
 • (૨) ભાજપ સરકાર દ્વારા ઉદ્ઘાટનો, ઉત્સવો અને જાહેરખબરોમાં અબજો રૂપિયાનો ખર્ચ કરાય છે અને ૨૨ વર્ષ એ જ ધંધો મોટા પાયે કર્યો છે. અત્યારે છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં આ ત્રણેયનો રાફડો ફાટયો છે એ તો અંધ મોદીભક્તો સિવાયના બધા નરી આંખે જોઈ જ રહ્યા છે. એ બધા માટે સરકાર પાસે કરોડો નહિ પણ અબજો રૂપિયા છે, પણ કર્મચારીઓ માટે પગાર અને પેન્શનના પૈસા નથી! એક વાત જરા યાદ દેવડાવી દઉં. દુશ્મન દેશ ચીનના પ્રમુખ ઝી જિનપિંગ અમદાવાદ આવ્યા ત્યારે તેમની માત્ર આઠેક કલાકની મુલાકાત માટે અને રિવર ફ્રન્ટ પર તેમને સજોડે હીંચકે ઝુલાવવા માટે ૨૦ કરોડ ₹ ખર્ચાયા હતા એમ અખબારી અહેવાલો કહેતા હતા.
 • (૩) તદ્દન ખોટી વાત છે કે કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનમાં સરકારના બહુ પૈસા ખર્ચાય છે. ગુજરાત સરકારના ૨૦૨૨-૨૩ના અંદાજપત્ર પ્રકાશન નં. ૩૦માં પાના નં. ૧૭ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ ૨૦૨૧-૨૨માં એટલે કે ગયે વર્ષે કર્મચારીઓના પગારનું ખર્ચ ₹ ૩૪,૫૬૩ કરોડ અને પેન્શનનું ખર્ચ ₹ ૨૦,૧૨૨ કરોડ થયું હતું. એ સરકારના કુલ ₹ ૨.૨૫ લાખ કરોડના ખર્ચમાં આશરે ૨૪ ટકા ખર્ચ જ થયો.
 • (૪) ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-૩૯(ડી)માં એમ કહેવાયું છે કે સમાન કામ માટે સમાન વેતન મળે. ભાજપની ગુજરાતની નરેન્દ્ર મોદી સહિતની સરકારોએ કર્મચારીઓને કોન્ટ્રેક્ટ પર નોકરી આપીને બંધારણનો ભંગ કર્યો છે.
 • (૫) જ્યારે ગુજરાતની હાઈ કોર્ટ દ્વારા કોન્ટ્રેક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાનો ચુકાદો અપાયો ત્યારે નરેન્દ્ર મોદીની જ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરીને આખો મામલો અભરાઈએ ચડાવી દીધો એ હકીકત કેવી રીતે ભૂલી શકાય?
 • (૬) અત્યારે પણ ગુજરાતની ભાજપ સરકારે ૨૦૦૫ પહેલાં જે કર્મચારીઓ સરકારમાં જોડાયા તેમને જ લાભ આપ્યા. તો ૨૦૦૫ પછી જેઓ જોડાયા તેઓ શું ઓરમાન કર્મચારીઓ છે?
 • શા માટે તેમને બાકાત રાખવામાં આવ્યા?
 • કર્મચારીઓમાં ભાગલા પડાવવા માટેનું આ સ્પષ્ટ કાવતરું છે. કર્મચારી મંડળોના નેતાઓ આ વાત માની કેમ ગયા?
 • કર્મચારીઓ આ રાક્ષસી જાળમાં ન ફસાય તો સારું. ગઈ કાલે ભાજપની સરકારે ટુકડો ફેંક્યો કહેવાય! એ ખાઈ લેવાનો?
 • (૭) કર્મચારીઓને કોન્ટ્રેક્ટ પર રાખવાની પ્રથામાં ખાનગી એજન્સીઓ આવી અને તેમણે પણ કર્મચારીઓનું ભયંકર શોષણ કર્યું. કર્મચારી સરકારના હોય પણ એ હકીકતમાં સરકારના કહેવાય જ નહિ એવી પરિસ્થિતિ ભાજપ સરકારે જ ઊભી કરી.
 • (૮) છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ મુજબનો પગાર લેવા માટે કર્મચારીઓએ આંદોલનો કરવાં પડે એ સ્થિતિ વિચિત્ર ના કહેવાય? એ મુજબનું એરિયર્સ લેવા માટે પણ આંદોલનો કરવાં પડે છે! દર છ મહિને મળનારું મોંઘવારી ભથ્થું પણ કેન્દ્ર સરકાર જાહેર કરે પછી કેટલું મોડું અપાય છે તે તો સૌને ખબર છે જ અને અનુભવ પણ છે. કાયદાકીય અને વહીવટી રીતે જે મળવાપાત્ર છે તે મેળવવા માટેની દરેક બાબતમાં છેલ્લાં ૨૨ વર્ષમાં કર્મચારીઓએ ભાજપની સરકાર પાસે વારંવાર ભીખ માગવી પડી છે એ એક હકીકત છે.
 • (૯) સરકાર ચલાવવા માટે જરૂરી કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી જ નહીં કરવાની નીતિ ભાજપની સરકારોએ છેલ્લાં ૨૨ વર્ષ અપનાવી છે. એને પરિણામે અનેક કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓને અનેક કામના અને હોદ્દાના વધારાના હવાલા આપવામાં આવે છે. લોકોનાં કામ કર્મચારીઓ કરવા માગતા હોય તો પણ ભારે કર્યબોજને કારણે કરી શકતા નથી. હકીકત એ છે કે ભાજપને કર્મચારીઓ દીઠ્ઠાય ગમતા નથી.
 • (૧૦) જો આ જ કર્મચારીઓ અને તેમનાં સગાં-વહાલાં અને દોસ્તો હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપીને જીતાડશે તો આવતાં પાંચ વર્ષ પણ એમના આ જ હાલહવાલ થવાના છે એ જેમ હવે દિવાળી આવવાની છે એવી આગાહી લખી શકાય એમ તાંબાના પતરા પર લખી શકાય તેમ છે. કર્મચારીઓ પાસે આશરે ૫૦ લાખ મત છે એટલે અત્યારે એમને ભાજપની સરકાર સાચવી લઈ રહી છે. બાકી તો ચૂંટણી પતી જવા દો, અને જો ભાજપ જીતે તો, કર્મચારી મંડળોના જે નેતાઓએ અત્યારે અણઘડ સમાધાન કર્યું છે તેમના પર જ નવી ભાજપ સરકાર ઘા કરે તો નવાઈ નહિ. અહીં જ્યારે કર્મચારીઓ શબ્દ વપરાયો છે ત્યારે જેમનો પગાર કે વેતન કે ભથ્થાં સરકાર નક્કી કરે છે તે બધાનો સમાવેશ થાય છે. અને અહીં જ્યારે સરકાર શબ્દ વપરાયો છે ત્યારે તેમાં રાજ્ય સરકાર, પંચાયતો અને પાલિકાઓ તથા નિગમો અને બોર્ડ, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ સહિત બધાનો સમાવેશ થઈ જાય છે.

અને હા, આ મહાન અને ભવ્ય ભારત દેશના ૧૯૫૦માં ઘડાયેલા બંધારણમાં જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ભીમરાવ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના આઝાદ વગેરે.. જેવા અને મોટા ભાગના કોંગ્રેસના મહાન નેતાઓ તેમ જ તે સમયની આખી સંવિધાન સભાએ લોકશાહીની અને ચૂંટણીની વ્યવસ્થા જ ના કરી હોત તો તમારું શું થાત એની પણ કલ્પના કરો જરા! હે કર્મચારીઓ, માફ કરજો,

Leave a Comment