શું મુસ્લિમ રાષ્ટ્રપ્રેમી ન હોઈ શકે? શું મુસ્લિમ ‘સેવક-એ-હિંદ’ ન હોઈ શકે?

શું મુસ્લિમ રાષ્ટ્રપ્રેમી ન હોઈ શકે? શું મુસ્લિમ ‘સેવક-એ-હિંદ’ ન હોઈ શકે?
વડાપ્રધાને 8 સપ્ટેમ્બર 2022ના રોજ, દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસે રાજપથ ઉપર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાને ખૂલ્લી મૂકી છે. સાથે ‘રાજપથ’નું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ કર્યું છે. ગ્રેનાઈટ પથ્થરમાં બનેલી આ પ્રતિમા 28 ફૂટ ઉંચી અને 6 ફૂટ પહોળી છે. આ પ્રતિમા, આઝાદીની લડત પ્રત્યે સન્માન સૂચક છે. નેતાજી સાંપ્રદાયિકતાના ઘોર વિરોધી હતા. ‘આઝાદ હિન્દ ફોજ’માં મુસ્લિમો જોડાયા હતા. નેતાજીએ તેમના ભાષણો અને લેખોમાં કોંગ્રેસ સાથે જોડાયેલ હિન્દુઓને રાષ્ટ્રવાદી હિન્દુ અને હિન્દુ મહાસભા સાથે જોડાયેલ હિન્દુઓને સાંપ્રદાયિક હિન્દુ કહ્યા છે ! નેતાજી 1938 માં કોંગ્રેસના પ્રમુખ બનતા કોંગ્રેસના સભ્યોને; હિન્દુ મહાસભા તથા મુસ્લિમ લીગના સભ્ય બનતા અટકાવી દીધાં હતા ! (Reference : Netaji Collected Works, Volume 10, Pg 98) બેવડી સદસ્યતા સામે પ્રતિબંધ મૂકનાર નેતાજી પ્રથમ હતા ! નેતાજી સાંપ્રદાયિક રાજનીતિના દુષ્પરિણામ જાણતા હતા. 31 ઓગષ્ટ 1942 ના રોજ નેતાજીએ ‘આઝાદ હિન્દ રેડિઓ’ પર ભાષણ આપેલ તેમાં જિન્ના અને સાવરકરને એક સરખા ગણાવ્યા હતા ! નેતાજી છેલ્લા શ્વાસ સુધી સેક્યુલર રહ્યા/ધર્મ નિરપેક્ષ રહ્યા. હવે સાવરકરવાદી/સાંપ્રદાયિક રાજનીતિને જ સત્તા પ્રાપ્તિનો મુખ્ય આધાર બનાવનાર વડાપ્રધાને શામાટે નેતાજીની પ્રતિમાનું  અનાવરણ કર્યું હશે? શું લોકપ્રિય પ્રતીકને સત્તા માટે વાપરી લેવાની ચાલાકી નથી? શું વડાપ્રધાન નેહરુનું નામ ભૂંસવા આ ખેલ કરી રહ્યા છે? વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું કે ‘ભારતના પ્રથમ વડાપ્રધાન’ તો નેતાજી સુભાષચંદ્ર જ હતા ! શું વડાપ્રધાન પોતાની ઈમેજ ચકચકિત કરવા ઈચ્છે છે? શું વડાપ્રધાન વાસ્તવમાં નેતાજીના વિચારોના/આદર્શોના ચાહક છે? એક તરફ 1942ના ‘ભારત છોડો’ આંદોલનનો વિરોધ કરનાર/ નેતાજીનો વિરોધ કરનાર સાવરકરની વાહવાહી અને બીજી તરફ નેતાજીની પ્રતિમાનું અનાવરણ?
  • 9 જુલાઈ, 1944ના રોજ નેતાજી બર્મા/રંગૂનમાં આયોજિત એક કાર્યક્રમમાં, ગુજરાતી વેપારી અબ્દુલ હબીબ યુસુફ મરફાનીએ INA-ઈન્ડિયન નેશનલ આર્મી/આઝાદ હિન્દ ફોઝ માટે 1 કરોડ 33 લાખ (તે સમયે એક તોલા સોનાનો ભાવ 33 રુપિયા હતો. હાલની સ્થિતિએ 500 કરોડથી વધુ )રુપિયાની સંપત્તિનું દાન કર્યું હતું. તેમાં રોકડ/સોનાના દાગીના/મિલકતો હતી. અબ્દુલ મરફાનીએ પોતાની સઘળી સંપતિ નેતાજીને અર્પણ કરીને વિનંતિ કરી કે મને INAમાં પૂર્ણ-સમયના સ્વયંસેવક તરીકે સેવા કરવાની તક આપો ! તેમનો રાષ્ટ્રપ્રેમ જોઈને નેતાજીની આંખો ભીની થઈ ગઈ હતી ! અબ્દુલ મરફાનીએ આઝાદ હિંદ સરકાર/ INA/ આઝાદ હિંદ બેંકને નાણાકીય સહાય પૂરી પાડીને ઈતિહાસ રચ્યો ! આ એ સમય હતો જ્યારે મુસ્લિમ લીગ  મુસ્લિમોને ભડકાવી રહી હતી; પરંતુ અબ્દુલ મરફાની તેનાથી દૂર રહીને આઝાદ હિન્દ ફોજની પડખે અડીખમ ઊભા રહ્યા. નેતાજીએ તેમને આઝાદ હિંદ બેંકના વડા બનાવ્યા. નેતાજીએ તેમને ‘સેવક-એ-હિંદ’નો એવોર્ડ આપી બહુમાન કર્યું હતું. આવું સન્માન મેળવનાર અબ્દુલ મરફાની પ્રથમ હતા ! ‘સેવક-એ-હિંદ’ને દિલથી સલામ !
  • અબ્દુલ હબીબ યુસુફ મરફાની મૂળ સૌરાષ્ટ્રના ધોરાજીના. શું ગુજરાત સરકારે કે વડાપ્રધાને આ ‘સેવક-એ-હિંદ’ની સેવાની કોઈ નોંધ લીધી છે ખરી? શું ધોરાજીમાં/ગુજરાતમાં/ભારતમાં કોઈ રસ્તા/ચોક/બગીચા/લઈબ્રેરી/વેપારી સંસ્થા વગેરે સાથે ‘સેવક-એ-હિંદ’નું નામ જોડ્યું છે?  શું મુસ્લિમ રાષ્ટ્રપ્રેમી ન હોઈ શકે? શું મુસ્લિમ ‘સેવક-એ-હિંદ’ ન હોઈ શકે?

1 thought on “શું મુસ્લિમ રાષ્ટ્રપ્રેમી ન હોઈ શકે? શું મુસ્લિમ ‘સેવક-એ-હિંદ’ ન હોઈ શકે?”

  1. સુરત શહેરને fully functional ઇનટરન્શનલ એરપોરટ આપવામાં ભાજપ સરકાર ઘણા વરસોથી Fail ગઇ છે અને સુરત શહેરના લોકોમાં આ અંગે ભારોભાર અસંતોષ છે. આશા રાખું છું કે આમ આદમી પક્ષ આ મુદ્દે સુરત શહેરની જનતાને ગેરેંટી પત્ર આપશે જેથી સુરતી લાલાઓ ખોબે ખોબે આમ આદમી પક્ષને વોટ આપશે એમાં શંકા નથી.

    Reply

Leave a Comment